Menu
img
om-iocn

Omkar Pragatya

અનન્ય, ઐતિહાસિક અને સિધ્ધ એવા
“ॐકાર ચાલીસા” નું ચમત્કારિક પ્રાકટ્ય

महर्षीणां भृगुरहं गिरामस्म्येकमक्षरम |
यज्ञानां जपयज्ञोडस्मि स्थावराणां हिमालयः ||

પૂર્ણબ્રહ્મ પરમાત્મા શ્રીકૃષ્ણ શ્રીમદ્ ભગવદ ગીતાનાં દસમા અધ્યાય વિભૂતિયોગનાં 25મા શ્લોકમાં અર્જુનને કહે છે “મહર્ષિઓમાં ભૃગુ, શબ્દોમાં અક્ષર અર્થાત્ ॐકાર હું છું, તમામ પ્રકારનાં યજ્ઞોમાં જપયજ્ઞ અને સ્થિર રહેવાવાળાઓમાં હિમાલય હું છું.”

તાત્પર્ય એ કે અક્ષરોમાં પ્રણવમંત્ર ॐકારને પરમાત્મા શ્રીકૃષ્ણએ સ્વયં પોતાનું સ્વરૂપ કહ્યો છે એટલે એ પ્રણવબ્રહ્મ ॐકારની સત્તા અને મહત્તા અદ્વિતીય અને અલૌકિક છે એમાં કોઇ શંકાને સ્થાન નથી. ॐકાર એક એવો બીજમંત્ર છે જેનાથી સૃષ્ટિનું સર્જન થયું છે. નાદબ્રહ્મ ॐકારમાંથી જ આ સમસ્ત બ્રહ્માંડ ઉત્પન્ન થયેલ છે. જો એક બીજમાં આટલી અપૂર્વ શક્તિ સમાયેલ હોય તો તેની વિસ્તૃતપણે સ્તુતિ અને ઉપાસના કરતી દિવ્ય કૃતિ કેટલી સામર્થ્યવાન હોય અને એનું સર્જન કરનાર દિવ્યાત્મા-સદગુરૂ કેવી ઉચ્ચ આધ્યાત્મિક કોટિનાં હોય.

“ગુરૂકૃપા હી કેવલં, શિષ્યસ્ય પરમ મંગલમ્” શિષ્યનું પરમ મંગલ કરતી સદગુરૂની કૃપા અને તેમનું સામર્થ્ય કલ્પનાતિત હોય છે. આપણા સંચિત કર્મો એ ઘાસનાં ડુંગરો સમાન છે જેને સદગુરૂનાં જ્ઞાનરૂપી મશાલનો સ્પર્શ થતાં જ પળવારમાં તે તમામ કર્મો નષ્ટ પામે છે અને આપણને નવાં સત્કર્મો કરવાની સદબુદ્ધિ સાંપડે છે. પ્રત્યેક સદગુરૂ પાસે કોઇ ને કોઇ એવી એક અણમોલ ચાવી હોય છે જે શિષ્ય માટે ભૌતિક સુખ-સમૃદ્ધિ અને આધ્યાત્મિક આનંદ-પરમાનંદનાં ખજાનાઓ ખોલી આપે છે.

શાસ્ત્રોમાં એવા અનેક મંત્રો-શ્લોકો-અનુષ્ઠાનો અને હોમ-હવન વર્ણિત છે. જેનાં સચોટ વિધિ વિધાન અને પ્રયોગથી મનુષ્ય પોતાનાં પ્રારબ્ધથી પણ વિશેષ ભૌતિક અને આધ્યાત્મિક સંપદા મેળવી શકે છે. પરંતુ એ માટે આ યુગ એટલે કે, કળિયુગ ઉચિત નથી. સતયુગ, ત્રેતાયુગ અને દ્ધાપરયુગમાં અન્ન-જળ, મન, બુદ્ધિ ચિત્ત અને અહંકાર ઓછા પ્રદુષિત હોવાના કારણે શાસ્ત્રોમાં કથિત મંત્ર અનુષ્ઠાન વગેરે મનુષ્યને સીધેસીધા ફળ અર્પી શકતા હતા. પરંતુ આ હળાહળ કળિયુગમાં ચોતરફ વાતાવરણનું અને અંતઃચતુષ્કરણનું પ્રદુષણ એવું વ્યાપેલું છે. કે સમર્થ સદગુરુના માધ્યમ વિના કોઇપણ મનુષ્ય સ્વયં- પોતાની જાતે શાસ્ત્રોમાં વર્ણિત મંત્ર-અનુષ્ઠાનો દ્ધારા ઇચ્છિત ફળ મેળવવામાં નિષ્ફળ નિવડે છે. ને આમ પણ શાસ્ત્રની ભાષા-વિધિ વગેરે સમજવું એ દરેક મનષ્ય માટે સરળ પણ નથી હોતું એટલા માટે સમય સમય પર પરમકૃપાળુ પરમાત્માની પ્રેરણા અને આદેશથી સામર્થ્યવાન મહાપુરુષો દ્ધારા એવા અદભૂત-ચમત્કારિક પરંતુ સરળ આધ્યાત્મિક સર્જનો થતાં રહેતાં હોય છે, જે સામાન્ય માનવી માટે સરળતાથી જપવાલાયક અને અત્યંત ઉપકારક સાબિત થાય છે.

ઋષિ વિશ્વામિત્ર દ્ધારા આવિર્ભૂત ગાયત્રીમંત્ર, ગોસ્વામી તુલસીદાસજી રચિત હનુમાનચાલીસા, નારેશ્વરનાં સંતશ્રી રંગઅવધૂત દ્ધારા સર્જીત દત્તબાવની... આ બધી એવી અલૌકિક કૃતિઓ છે જેનાં સબળ માધ્યમથી સેંકડો સદીઓથી સાધકોની સાથે સાથે સામાન્ય કોટિના મનુષ્યો પણ આધ્યાત્મિક ઉપલબ્ધિઓ મેળવી રહ્યા છે. આવી જ એક અદભૂત અને અનન્ય કહી શકાય એવી ઐતિહાસિક કૃતિનુ અવતરણ પરમકૃપાળુ પરમાત્મા પ્રણવ બ્રહ્મ ॐકારની પ્રેરણા અને આજ્ઞાથી આ સૃષ્ટિમાં- આ બ્રહ્માંડમાં થયું છે. લાખો-કરોડો મુમુક્ષુઓનાં- સાધકોનાં- આમઆદમીનાં ત્રિવિધ તાપોનું હરણ પ્રકટ થયેલ એ દિવ્ય સર્જન એટલે “ॐકાર ચાલીસા.” ને આ અવિશ્વસનીય લાગે એવાં ચમત્કારિક પરિણામો આપી રહેલા ॐકાર ચાલીસાને પૃથ્વી પર પ્રકટ કરવાનુ અલભ્ય શ્રેય જાય છે ॐકાર સંપ્રદાયનાં આર્ષદ્રષ્ટા અને સ્થાપક પૂજ્ય ગુરુદેવ ॐઋષિ પ્રિતેશભાઇને. ॐકાર ચાલીસાનાં પ્રાકટ્ય વિશે વિશેષરૂપે જાણતાં પહેલા તેનાં રચયિતા પૂજ્ય ગુરુદેવ ॐઋષિ પ્રિતેશભાઇ અને ॐકાર સંપ્રદાય વિશે જાણવુ યોગ્ય રહેશે.

ત્રેતાયુગમાં એક મહાન બ્રહ્મર્ષિ થઇ ગયા – શ્રી અષ્ટાવક્ર મુનિ, જેને પ્રજાપિતા બ્રહ્માજીના માનસ પુત્ર માનવામાં આવે છે. વિદેહથી જાણીતા રાજા જનકને ‘અષ્ટાવક્રગીતા’ ના માધ્યમથી પરબ્રહ્મનું પરમજ્ઞાન પ્રદાન કરવાવાળા એ બ્રહ્મર્ષિ શ્રી અષ્ટાવક્રમુનિએ જાણે હવે કળિયુગમાં ફરીથી જન્મ ધારણ કર્યો છે.

અનેક શારીરિક મર્યાદાઓનું બંધન હોવા છતાં પણ હિમાલય જેવું અડગ મન ધારણ કરવાવાળા, ગુરુદેવ જૈન આચાર્ય શ્રી મિત્રાનંદ સુરીશ્વરજી મહારાજનાં આર્શીવાદ અને પરમ પરમાત્માની અનન્ય કૃપા દ્ધારા અકલ્પ્ય લૌકિક ઉપરાંત અલૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત કરીને- એ સર્વ સિદ્ધિઓનો ફક્ત માનવ કલ્યાણ હેતુ- દુઃખી, પીડિત, સંસારની આધિ-વ્યાધિ અને ઉપાધિઓથી ત્રસ્ત મનુષ્યોનાં ત્રિવિધ તાપોને દૂર કરવા માટે, અબોલ પશુ-પક્ષીઓની સેવા માટે – જીવદયા હેતુ, ઉપયોગમાં લાવી રહ્યા છે, એવા પ્રખર અને પ્રસિદ્ધ જૈન જ્યોતિષાચાર્ય બાળબ્રહ્મચારી પૂજ્ય ગુરુદેવ ॐઋષિ પ્રિતેશભાઇને સાધનાની અંતર્ગત ‘ॐ’ ની સર્વવ્યાપકતાની દિવ્ય અનુભૂતિ થઇ. પ્રણવમંત્ર ॐકારમાં સમાહિત અનંત અને અકલ્પ્ય શક્તિઓનો એમણે પ્રત્યક્ષ સાક્ષાત્કાર કરીને, પરમાનંદરૂપી મહાસાગરમાં ડૂબકી લગાવીને અલૌકિક-દિવ્યતમ બ્રહ્માનંદની પ્રાપ્તિ કરી.

કેટલીય દિવ્ય અનુભૂતિઓ પછી સૂક્ષ્મ મનોમંથન – ગહન આત્મચિંતન કરતા કરતા પૂજ્ય ગુરુદેવ ॐઋષિ પ્રિતેશભાઇને પૂર્ણબ્રહ્મ પરમાત્માએ ‘ॐકાર સંપ્રદાય’ ને પ્રગટ કરવાની અંતઃસ્ફુરણા અને પ્રત્યક્ષ પ્રેરણા આપી.

ધર્મ-સંપ્રદાય-જાતિ કે વર્ણ કોઇપણ પ્રકારનાં ભેદભાવથી રહિત ‘ॐ’ ની એક જ છત નીચે બધા મનુષ્ય એકત્ર થઇને પ્રણવમંત્ર ॐકારની સાધના-ઉપાસના દ્ધારા જીવનનો પરમઆનંદ એવા પૂર્ણબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરી શકે એ પવિત્ર હેતુથી પૂજ્ય ગુરુદેવ ॐઋષિ પ્રિતેશભાઇ દ્ધારા ઐતિહાસિક તેમજ ચિરકાલીન ‘ॐકાર સંપ્રદાય’ નું પ્રાગટ્ય થયું છે- પૂજ્ય ગુરુદેવ ॐઋષિ પ્રિતેશભાઇએ ‘ॐકાર સંપ્રદાય’ ની સ્થાપના કરી છે. આત્મતત્વથી લઇ પરમાત્મતત્વ સુધી યાત્રા કરાવનાર અનન્ય આધ્યાત્મિક પથ ॐકાર સંપ્રદાયની ઉત્પતિ સમયે પૂજ્ય ગુરુદેવ ॐઋષિ પ્રિતેશભાઇને ‘ॐકાર ચાલીસા’ નું સર્જન કરવાની પ્રેરણા અને સ્ફુરણા કઇ રીતે, કયા ગ્રહો- નક્ષત્રોની યુતિનાં સંયોગે થઇ એ સ્વયં પૂજ્ય ગુરુદેવ ॐઋષિ પ્રિતેશભાઇના શબ્દોમાં જાણવું વધુ યથાર્થ રહેશે.


પૂજ્ય ગુરુદેવ ॐઋષિ પ્રિતેશભાઇ


હું મારા કોલેજનાં એક મિત્ર સાથે આઠ દિવસ માટે ગુજરાતનાં ડાંગ જીલ્લાનાં આહવામાં ગયો હતો. એ દિવસોમાં હું મારા પગ પર ચાલી શકતો હતો. જ્યોતિષશાસ્ત્રને સંબંધિત કેટલીક વિશેષ વનસ્પતિઓનાં સંશોધન અને અધ્યયન માટે હું ડાંગના જંગલોમાં ફરી રહ્યો હતો. જંગલમાં આદિવાસીઓ દ્ધારા નિર્મિત વન દેવતાનું એક મંદિર હતું. કહેવાય છે કે જો કોઇ સાધક આ મંદિરમાં નિરંતર બે દિવસ સુધી બેસીને ઉપાસના કરે તો શક્તિ અને સરસ્વતિ બંન્ને સાધક પર પ્રસન્ન થાય છે.

ત્યાંના આદિવાસી લોકોની સહાયતાથી મેં એ મંદિરમાં સાધના કરવાનો નિશ્ચય કર્યો. સાધનાનો નિયમ હતો કે સાધક માત્ર જળ જ ધારણ કરી શકે અને કોઇપણ આપત્તિ આવે એણે મંદિર છોડવાનું નહી. મંદિર નાનું હતું, ચારેબાજુ જંગલ હતું, હિંસક પશુઓનો ડર હતો છતાં પણ હું ગુરુદેવનું નામ લઇને સાધના માટે બેસી ગયો. સાધનાના પ્રથમ દિવસે જ મેં પોતાના અનાહત ચક્ર અને આજ્ઞાચક્ર ને કાર્યશીલ થતાં મહેસૂસ કર્યા અને બીજા દિવસે સવારે 8-30 થી 9-30 વાગ્યાની વચ્ચે વનદેવતાની મૂર્તિમાંથી શક્તિનો એક પ્રચંડ વેગ મારા સમગ્ર શરીરમાં પ્રવિષ્ટ થઇ ગયો, મારી શારીરિક પીડાઓ જે બાકી પણ હતી તે સમાપ્ત થઇ ગઇ અને મેં મારા અંતરાત્મામાં એક નવીન ધ્વનિને સાંભળ્યો જે મને કહી રહ્યો હતો, ‘પરમાર્થથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે.’ એ ધ્વનિ- એ અલૌકિક નાદ હતો, પ્રણવ બ્રહ્મ ॐકારનો. મારા રોમેરોમમાં એક દિવ્ય આનંદ છવાઇ ગયો- પરમાનંદની અતુલનીય અનુભૂતિનાં મહાસાગરમાં હું ડૂબવા લાગ્યો, મારું જીવન ધન્યતાની પરાકાષ્ઠાએ પહોંચી ગયું. પ્રણવ બ્રહ્મ ॐકારનાં અભૂતપૂર્વ સાક્ષાત્કાર બાદ તેમણે મને પરમાર્થ માટે જીવન સમર્પિત કરી દેવાની આજ્ઞા કરી તેના અનુસંધાનમાં મેં તેમને પ્રાર્થના કરતા કહ્યું કે, “હે પ્રણવ બ્રહ્મ, હે સૃષ્ટિકર્તા, હે નાદબ્રહ્મ ॐકાર, આપ મને પરમાર્થ માટે એક એવી કૂંજી આપો જેનાં પ્રયોગથી ઉચ્ચકોટીનાં સાધકથી માંડી સામાન્ય કક્ષાનો માનવી પણ ત્રિવિધ તાપોનાં કષ્ટોમાંથી રાહત મેળવી ભૌતિક સુખ સમૃદ્ધિની સાથે સાથે આધ્યાત્મિક આનંદને પણ પ્રાપ્ત કરી શકે.” ને મારી અનુનય પ્રાર્થનાના પ્રત્યુત્તરમાં પ્રણવ બ્રહ્મ ॐકારે મને “ॐકાર ચાલીસા” નું સર્જન કરવાની પ્રેરણા અને દિવ્યબળ પ્રદાન કર્યું.

મેં મારા જૈન જ્યોતિષશાસ્ત્રનાં સૂક્ષ્મ અભ્યાસ અને ગહન અનુભવોનાં આધારે ભારતનાં 81 મહાન સંતો, 24 જૈન તીર્થકરો, ત્રિદેવ- બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને શ્રી શુભલક્ષ્મીદેવીનાં અનુસંધાનમાં ॐકાર ચાલીસા લખવાનો પ્રારંભ કર્યો. જે 81 સંતોની જન્મકુંડળી તથા તેમને થયેલાં કેવળ જ્ઞાનનાં સમયનાં ઓરાને મેં ધ્યાનમાં લીધો તે તમામ સંતો અને ભગવાનનાં નામ આ પ્રમાણે છે.

(1) સંત જ્ઞાનેશ્વર (2) શબરી (3) ભગવાન શ્રી સ્વામીનારાયણ (4) સખુબાઇ (5) સદનકસાઇ (6) સુરદાસજી (7) સુદામા (8) સાવંતા માલી (9) સેન નાઇ (10) સ્વામી હરિદાસજી (11) હરિમેઘા (12) સુમેઘા (13) રાબીયા (14) ગુરુ નાનકદેવ (15) રસખાન (16) રાંકા (17) બાંકા (18) ઠાકુર શ્રી રામકૃષ્ણ પરમહંસ (19) સ્વામી વિવેકાનંદ (20) સ્વામી રામતીર્થ (21) રામદામ ચમાર (22) રામાનુજાચાર્ય (23) રુપ સનાતન (24) રૈદાસ (25) વલ્લાભાચાર્ય (26) માધવાચાર્ય (27) નિમ્બકાચાર્ય (28) વિદુરજી (29) વિદુર પત્ની (30) વિભીષણ (31) વિસોબા સરાફ (32) શંકરાચાર્ય (33) સંત કબીર (34) એકનાથજી (35) કુંભનદાસ (36) ખીમસાહેબ (37) ગરીબદાસ (38) ગોરાકુંભાર (39) સંતકવિ શ્રી તુલસીદાસજી (40) ચૈતન્ય મહાપ્રભુ (41) ચોખા મેળા (42) છીત સ્વામીજી (43) જનાબાઇ (44) શકુબાઇ (45) જીવંતી વેશ્યા (46) સંત તુકારામ (47) દાદુ દયાળ (48) બાબા બુલ્લેશા (49) દામાજી પંત (50) દાસી જીવણ (51) દાસ સત્તાર (52) ધન્ના જાટ (53) નરસિંહ મહેતા (54) સંત નામદેવ (55) નાભાદાસજી (56) પયાહારી બાબા (57) ગજાનંદ મહારાજ (58) ભક્ત પ્રહલાદ (59) ભક્ત ધૃવ (60) ભગત પીપાજી (61) સંત દેવીદાસ (62) પુરંદર દાસજી (63) મધુસુદન સરસ્વતી (64) ભાણાસાહેબ (65) રવિસાહેબ (66) રાજા ભર્તુહરિ (67) રાજા ગોપીચંદ (68) મીરાબાઇ (69) મદનમોહન માલવિયાજી (70) મોરાર સાહેબ (71) સંત સવૈયાનાથ (72) મોરો પંત (73) પરમહંસ યોગાનંદ (74) મેકરણ દાદા (75) ગંગાસતિ (76) સતિ તોરલ (77) જેસલ (78) સંતશ્રી જલારામ (79) બજરંગદાસ બાપુ (બગદાણાવાળા) (80) શ્રી રંગઅવધૂત મહારાજ (81) સંત તિરુવલ્લુર.

તદ્ઉપરાંત 24 જૈન તીર્થંકરો અને શ્રી સીમંધર સ્વામીના જન્મ સમયે તથા તેમને થયેલ પરમાત્માનાં સાક્ષાત્કારની ક્ષણને મેં ગણતરીમાં લીધી. પ્રજાપિતા બ્રહ્માજીના સૃષ્ટિ સર્જનનો સમય, દેવાધિદેવ ભગવાન શંકરે જ્યારે સૃષ્ટિને ઉગારવા હળાહળ વિષનું પાન કર્યું હતું એ સમય, ભગવાન શ્રી વિષ્ણુ નારાયણ શેષશૈયા પર બિરાજમાન થઇ સમાધિ અવસ્થામાં રહી સૃષ્ટિ સંચાલન માટે કટિબદ્ધ થયા એ ઘડી તેમજ તેમના નવ અવતારોનાં જન્મસમયનાં ગ્રહોની સ્થિતિ તથા સમુદ્રમંથનમાંથી શ્રી શુભલક્ષ્મીદેવીનું પ્રાકટ્ય અને તેમણે સમસ્ત સંસારને આપેલાં ધન વૈભવનાં આશિષની શુભઘડી, આ તમામ કાળચક્રોને, તેમની નિશ્ચિત સૂક્ષ્મ ક્ષણોને મેં અનુસંધાનમાં લઇ ॐકાર ચાલીસાનું સર્જન કર્યું અને પરિણામ.......... અકલ્પ્ય, અદભૂત, અવિશ્વસનીય અને ઐતિહાસિક આવ્યું. ॐકાર ચાલીસા- આધ્યાત્મિક મહાસાગરમાંથી દિવ્ય મોતી સમાન બનીને પ્રગટયાં. તમે પણ એકવાર એનાં દિવ્યતમ પ્રકાશની અનુભૂતિ કરો.

હું ખરા અંતઃકરણથી એ સત્યનો સ્વીકાર કરું છું કે, આ દિવ્ય અને ચમત્કારિક ॐકાર ચાલીસાનું સર્જન મેં નથી કર્યું. પ્રણવ બ્રહ્મ- ॐકારની પ્રેરણા અને શક્તિનાં પ્રતાપથી હું તો માત્રને માત્ર આ ॐકાર ચાલીસાનું પ્રાગટ્ય કરવા નિમિત્ત માત્ર બન્યો છું. હા, મને એ વાતનો ચોક્કસ આનંદ છે કે, પરમાત્માએ આવું અલૌકિક સર્જન કરવા માટે મને માધ્યમ બનાવ્યો. ॐકાર ચાલીસાનો વિધિપૂર્વક પાઠ કરવાનો પ્રારંભ મેં જ કર્યો અને અલ્પ સમયમાં જ મને એનાં અદભૂત પ્રતાપની અસર દેખાઇ. કેટલાંક પરમાર્થલક્ષી કાર્યો કરવાનો મેં સંકલ્પ લીધો હતો જે ઉચિત સમય સંજોગોનાં અભાવે અપૂર્ણ રહી જતો હતો, તે ॐકાર ચાલીસાનાં પઠનની તાત્કાલિક જ પરિપૂર્ણ થઇ ગયો. મને ॐકાર ચાલીસાની સિધ્ધતા પર પૂર્ણ વિશ્વાસ બેઠો અને પછી મેં જનહિત માટે તેને સાર્વજનિક રૂપે પ્રકાશિત કર્યાં. ॐકાર સંપ્રદાયનાં સાધકોને અને અન્ય ઇચ્છુક વ્યક્તિઓને પણ ॐકાર ચાલીસાનો પાઠ કરવા મેં પ્રેરિત કર્યાં અને પરમપિતા પરમાત્માની કૃપાથી, પ્રણવ બ્રહ્મ ॐકારનાં આર્શીવાદથી ॐકાર ચાલીસાનો પાઠ કરનાર સાધકોની સંખ્યામાં ઉત્તરોતર અતિ તીવ્ર ગતિએ વધારો થઇ રહ્યો છે. એનું કારણ છે ॐકાર ચાલીસાનાં પાઠથી થતી ભૌતિક મનોરથોની પૂર્તિ, સાંસારીક સંકલ્પોની પરિપૂર્ણતા અને આધ્યાત્મિક પથ પર અગ્રેસર થવાની ગતિમાં વધારો.

ॐકાર સંપ્રદાયનાં આર્ષદ્રષ્ટા અને સ્થાપક પૂજ્ય ગુરુદેવ ॐઋષિ પ્રિતેશભાઇનાં માધ્યમથી પ્રણવ બ્રહ્મ ॐકાર દ્ધારા ॐકાર ચાલીસાનું આ પૃથ્વી પર પ્રાગટ્ય થયું છે. અલૌકિક એવા ॐકાર ચાલીસાના નિત્ય પાઠથી સેંકડો નહીં લાખો નર-નારીઓને દિવ્ય અને ચમત્કારિક પરિણામો મળ્યાં છે.

એક યુવાનનું ડાબુ અંગ એકાએક જ લકવા ગ્રસ્ત થઇ ગયું. તમામ ઉપચારો કરાવ્યાં પરંતુ પરિણામ શૂન્ય. બધા ડોકટરોએ હાથ ખંખેરી નાખ્યાં. એવા સમયે ॐકાર સંપ્રદાયનાં એક સાધકે એ યુવાનને ॐકાર ચાલીસાની પુસ્તિકા આપી અને દિવસમાં ત્રણ વાર શ્રધ્ધાપૂર્વક એનો પાઠ કરવા કહ્યું. બધી જ દિશાઓથી નિરાશ થયેલ એ યુવાને સાચા અંતઃકરણથી, પૂજ્ય ગુરુદેવ ॐઋષિ પ્રિતેશભાઇને મનોમન વંદન કરી, દિવસમાં ત્રણ વાર ॐકાર ચાલીસાનો પાઠ કરવાનું શરૂ કર્યું. ને પરિણામ, ડોકટરો પણ આશ્ચર્ય ચકિત થઇ ગયાં. જે કાર્ય આજનું મોડર્ન મેડીકલ સાયન્સ ન કરી શક્યું એ અવિશ્વસનીય કાર્ય ॐકાર ચાલીસાનાં પાઠથી વિશ્વસનીય બન્યું. માત્ર એક જ મહિનામાં એ યુવાનનું ડાબુ અંગ લકવાથી સંપૂર્ણપણે મુક્ત બની ગયું ને યુવાન એકદમ સ્વસ્થ બની ગયા. તંદુરસ્તી પ્રાપ્ત થતાં જ એ યુવાન પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રિતેશભાઇનાં દર્શન કરવા ગયો. તેમનાં ચરણસ્પર્શ કરી સજળ આંખોએ એણે તેમનો આભાર માન્યો. પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રિતેશભાઇએ તેને આર્શીવાદ આપતાં કહ્યું. “આભાર મારો નહી, પ્રણવબ્રહ્મ ॐકાર ચાલીસાનો માન, જેનાં દિવ્યબળથી તું પુનઃ તંદુરસ્તી પ્રાપ્ત કરી શક્યો.” ત્યારબાદ એ યુવાન આજીવન ॐકાર ચાલીસાનો નિત્યપાઠ કરવાનો દ્રઢ સંકલ્પ લઇ ત્યાંથી વિદાય થયા.

એક શિક્ષિત, સંસ્કારી, સુશીલ અને ઉત્તમ ખાનદાનની યુવતિનું સગપણ થતું ન હતું. યોગ્ય અને અપેક્ષાકૃત યુવક ન મળવાને કારણે તેનાં ઘર-પરિવારનાં લોકો તથા એ યુવતિ પણ હતાશ થઇ ગયા હતા. યુવતિની ઉંમર 28 વર્ષની થઇ ગઇ હતી. એ યુવતિ ॐકાર સંપ્રદાયની અનુયાયી હતી એટલે તેણે અન્ય તમામ પ્રયત્નો છોડી દઇ આસ્થાપૂર્વક પ્રતિદિન ॐકાર ચાલીસાનો પાઠ કરવાનો આરંભ કર્યો. ને એની આસ્થા ફળીભૂત થઇ. દોઢ જ મહિનામા એક ઉચ્ચ શિક્ષિત, દેખાવડા, કુળવાન અને છ આંકડાંનો પગાર ધરાવતા યુવક સાથે તેનું સગપણ નક્કી થયું. લગ્ન થયા અને આજે તેઓ એક આદર્શ- સુખી દાંપત્ય જીવન જીવી રહ્યાં છે. ને હા, જે ॐકાર ચાલીસા તેમના મિલનનો સેતુ બન્યા તેનો પ્રતિદિન ત્રણવાર પાઠ કરવાનું તેઓ ક્યારેય ચૂકતા નથી.

એક બીઝનેસમેનનું 8 લાખ રૂપિયાનું પેમેન્ટ અટકી ગયું હતું. લાંબા સમયથી આટલી મોટી રકમ અટવાઇ જતા એ ભાઇનુ ટેન્શન વધી ગયુ હતું. સતત તણાવમાં અને ચિંતાગ્રસ્ત રહેવા લાગેલ એ વ્યક્તિનાં વ્યાવસાયિક જીવનની સાથે સાથે પારિવારિક જીવન પણ અસ્તવ્યસ્ત થઇ ગયું હતુ. સામ, દામ, દંડ, ભેદ તમામ ઉપાયો કરવા છતાં ફસાઇ ગયેલાં નાણાં નીકળતાં ન્હોતાં. એવામાં એમણે પૂજ્ય ગુરુદેવ ॐઋષિ પ્રિતેશભાઇની પ્રવચન શૃંખલા પૈકીનું એક “ચિંતા છે ચિતા સમાન” પ્રવચન નિહાળ્યું. પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રિતેશભાઇની પ્રેરણાદાયી વાણી સાંભળીને તેમનાં તપ્ત મનને કંઇક શાતા વળી. એ ભાઇએ વધુ તપાસ કરતા તેમને ॐકાર સંપ્રદાય અને પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રિતેશભાઇ વિષે માહિતિ મળી. તે ભાઇ તુંરત જ પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રિતેશભાઇની શરણે આવ્યા. પૂજ્ય ગુરુદેવ તેમના શીશ પર હાથ મૂકી તેમને ચિંતામાંથી મુક્ત થવાની અમુલ્ય ચાવીરૂપ ॐકાર ચાલીસા આપી તેનો પ્રતિદિન ત્રણવાર પાઠ કરવાની સલાહ આપી. એ બીઝનેસમેન આમ તો સ્વભાવે બહુ આસ્તિક ન્હોતા. પરંતુ પૂજ્ય ગુરુદેવ ॐઋષિ પ્રિતેશભાઇનાં દર્શનથી, તેમનાં તેજોમય વ્યક્તિત્વથી તેઓ અત્યંત પ્રભાવિત થયાં, તેમને ॐકાર ઉપર અને પૂજ્ય ગુરુદેવનાં વચનો પર વિશ્વાસ બેઠો. તેમણે પ્રતિદિન ॐકાર ચાલીસાનો પાઠ કરવાનું શરું કર્યું. બરાબર ચૌદમાં દિવસે પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રિતેશભાઇ પર એ બીઝનેસમેનનો ફોન આવ્યો. અત્યંત ખુશીથી છલકાતો એમનો અવાજ હતો. ફોન ઉપર જ એમણે પ્રિતેશભાઇના ચરણસ્પર્શ કરી જણાવ્યું કે, ઘાણાં સમયથી એમના ફસાયેલા 80 લાખ રૂપિયા તેમને મળી ગયા છે. હવે તેઓ સંપૂર્ણપણે ચિંતામુક્ત થઇ ગયા છે. તેમણે અત્યંત ગદગદિત થઇ પૂજ્ય ગુરુદેવ ॐઋષિ પ્રિતેશભાઇનો ઋણ સ્વીકાર કર્યો. પરંતુ ફરી પૂજ્ય ગુરુદેવે એનો સઘળો શ્રેય પ્રણવ બ્રહ્મ ॐકાર ચાલીસાને જ આપ્યો.

એક ખૂબ જ સુખી સંપન્ન દંપતિને શેર માટીની ખોટ હતી. આગણે કીલકારી કરનાર સંતાનનો વસવતો તેમને પલપલ સતાવતો હતો. અખબારમાં પૂજ્ય ગુરુદેવ ॐઋષિ પ્રિતેશભાઇનાં આધ્યાત્મિક લેખ વાંચીને તેમના હ્રદયમાં શ્રદ્ધા જન્મી. તેમણે પૂજ્ય ગુરુદેવ સમક્ષ પોતાની આશા પ્રગટ કરી. પૂજ્ય ગુરુદેવે તેમને આશિષ આપતાં કહ્યું કે, “જેણે આખી સૃષ્ટિનું સર્જન કર્યું છે એ નાદબ્રહ્મ ॐકાર અવશ્ય તેનું એક સર્જન સંતાન સ્વરૂપે તમને અર્પશે ॐ નમઃ મંત્રનો જાપ કરો અને પ્રણવબ્રહ્મ ॐ કારનું સ્મરણ કરી ॐકાર ચાલીસાનો નિત્ય પાઠ કરો. તમારા ઘેર ઘોડીયું ચોક્કસ બંધાશે.” શ્રીમદ ભગવદ ગીતામાં કહ્યું છે “શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ” અસંભવને પણ સંભવ કરી દેવાની શક્તિ શ્રદ્ધાં સમાયેલી છે. શ્રદ્ધાવાન વ્યક્તિ જ જ્ઞાન મેળવી શકે છે. જો અતૂટ શ્રદ્ધા જ્ઞાનરૂપી અમૃત અપાવી શકતી હોય તો સંતાન સુખની કામનાપૂર્તિ તો તેના માટે સહજ છે. એ દંપતીની ॐકાર ચાલીસા પરની શ્રદ્ધા પરિપૂર્ણ થઇ અને તેમનાં ઘેર પારણું બંધાયુ. સંતાનસુખથી વંચિત એ દંપતી સંતાનસુખ પ્રાપ્ત થયા બાદ એ બાળકને લઇને પૂજ્ય ગુરુદેવ ॐઋષિ પ્રિતેશભાઇનાં આર્શીવાદ લેવા આવ્યા. પ્રણવ બ્રહ્મ ॐકારનાં ઉપાસક અને ॐકાર સંપ્રદાયના આજીવન અનુયાયી બનવાનું પ્રણ લઇ તેમણે પૂજ્ય ગુરુદેવ ॐઋષિ પ્રિતેશભાઇને પોતાનાં સદગુરુ તરીકે સ્વીકાર કર્યાં.

ॐકાર ચાલીસાનું પઠન કરવાથી ચમત્કારિક પરિણામ આપતા તો અનેકાનેક ઉદાહરણો, ઘટનાઓ અને અકલ્પ્ય કહી શકાય એવા કિસ્સાંઓ ઘટ્યાં છે અને ઘટી રહ્યાં છે. ॐકાર સંપ્રદાયની વિશિષ્ટ સાધના પ્રણાલી ॐ ત્રિત્રાંશ ક્રિયાયોગની સાધના અને ॐકાર ચાલીસાનાં નિત્ય પઠનથી સાધક જે જે ભૌતિક અને પારમાર્થિક સંકલ્પ કરે છે એમાં તે નિઃશંકપણે ત્વરિત સફળતા મેળવે છે. નોકરી વ્યાપાર ને સંબંધિત મુશ્કેલીઓ, લગ્નમાં રુકાવટ, ગૃહસ્થ જીવનમાં ક્લેશ, શિક્ષા સંબંધી સમસ્યાઓ, શારીરિક માનસિક વિકાર, તન, મન, ધનને નષ્ટ કરતા વ્યસનો, સામાજીક-આર્થિક પરેશાનીઓ અને વ્યક્તિગત વિકાસને રોકતા તમામ વિઘ્નોને નાશ કરી સાધકને સર્વ પ્રકારે સુખી સંપન્ન, ખુશહાલ અને સમાજમાં પ્રતિષ્ઠિત બનાવી દે છે. ॐ ત્રિત્રાંશ ક્રિયાયોગની સાધના અને ॐકાર ચાલીસાનો નિત્ય પાઠ.

ચિત્તને નિર્મળ બનાવી, મનને વાસનારહિત કરી ॐકારની ઉપાસના સર્વરૂપે સર્વથા મંગલ જ મંગલ કરે છે. કોઇપણ ધર્મ- સંપ્રદાય, જાતિ અથવા વર્ણનો વ્યક્તિ, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અથવા સંન્યાસાશ્રમ- કોઇપણ આશ્રમમાં સ્થિત વ્યક્તિ ॐકાર સંપ્રદાયમાં સંમ્મિલિત થઇ શકે છે અને ॐકાર ચાલીસાનો પાઠ કરી શકે છે. પ્રણવબ્રહ્મ ॐકાર પ્રદત્ત ॐકાર ચાલીસા એક એવી અમૂલ્ય કુંજી છે જે મનુષ્યનાં બંધ થયેલા ભાગ્યનાં દ્ધાર ખોલી નાંખે છે અને તેણે સ્વપ્નમાં સેવેલાં સંકલ્પોની પણ પૂર્તિ કરી આપે છે.

ॐકારં બિન્દુ સંયુક્તં, નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ
કામદં મોક્ષદં ચૈવ, ॐકારાય નમો નમઃ

ॐકાર સંપ્રદાયનાં આર્ષદ્રષ્ટા અને સ્થાપક પૂજ્ય ગુરુદેવ ॐઋષિ પ્રિતેશભાઇનું એક જ આધ્યાત્મિક લક્ષ્ય છે કે વિશ્વનો પ્રત્યેકમાનવ ॐકારના વિરાટ આકાશની નીચે આવીને તમામ રાગદ્ધેષ, મતભેદ, મનભેદ ભૂલીને ॐકારની સાધના-ઉપાસના દ્ધારા, દિવ્ય, ચમત્કારિક અને સિદ્ધ થયેલ ॐકાર ચાલીસાનો નિત્ય પાઠ કરી જીવનનાં ત્રિવિધ તાપોથી મુક્ત બનીને પૂર્ણબ્રહ્મ પરમાત્માના પરમાનંદની અદ્ધિતિય અનુભૂતિ પ્રાપ્ત કરી મનુષ્ય જન્મને સાચા અર્થમાં સફળ બનાવે.

ॐ નમઃ

“વક્ત સે પહેલે ઔર નસીબસે જ્યાદા કિસીકો કુછ નહીં મિલતા” – ક્યારેક સાંભળવામાં તો ક્યારેક વાંચવામાં આવતી આ ઉક્તિ અર્ધસત્ય છે. એ સત્ય છે કે, દરેક મનુષ્ય તેના કરેલા કર્મો પ્રમાણે નિર્ધારિત થતાં પ્રારબ્ધ અનુસાર જ સુખ દુઃખ ભોગવે છે, આધિ-વ્યાધિ અને ઉપાધિનાં ત્રિવિધ તાપો વેઠે છે. એટલે જ્યાં સુધી ઉચિત સમય આવે નહીં ત્યાં સુધી – વક્ત સે પહેલે – અને કરેલા કર્મોના હિસાબે જ મળતું ફળ એટલે- નસીબ સે જ્યાદા વાળી વાત એનાં માટે સાચી છે પણ આ તો થઇ એક સામાન્ય જીવન જીવતા, માત્ર માયિક વ્યવહારમાં સપડાઇ કર્મ કર્યે રાખતાં મનુષ્યની વાત, પરંતુ જે મનુષ્ય સાચા સદગુરુનું શરણ લઇ- ભૌતિક જગતમાં રહીને પ્રારબ્ધનો હિસાબ કિતાબ ધડમૂળથી બદલાઇ જાય છે. એવો સાધક ગુરુની કૃપા મેળવી પોતાનાં પ્રારબ્ધને પલટાવી ઇચ્છિત કર્મફળ મેળવવા અધિકારી બની શકે છે ને સદગુરુની કૃપાદ્રષ્ટિ – આર્શીવાદ મેળવનાર એવા શિષ્ય પર સ્વયં પરમાત્માની પણ અમીનજર થાય છે. એટલે આવા સાધક માટે આગળ જણાવેલ “વક્ત સે પહેલે ઔર નસીબસે જ્યાદા કિસીકો કુછ નહીં મિલતા” વાળી ઉક્તિ સંપૂર્ણપણે સત્ય સાબિત થતી નથી.

આપણાં સંચિત કર્મો એ ઘાંસના ડુંગરો સમાન છે જેને સદગુરુના જ્ઞાનરૂપી મશાલનો સ્પર્શ થતાં જ પળવારમાં તે તમામ કર્મો નષ્ટ પામે છે અને આપણને નવાં સત્કર્મો કરવાની સદબુધ્ધિ સાંપડે છે. પ્રત્યેક સદગુરુ પાસે કોઇ ને કોઇ એવી એક અણમોલ ચાવી હોય છે જે શિષ્ય માટે ભૌતિક સુખ સમૃદ્ધિ અને આધ્યાત્મિક આનંદ-પરમાનંદનાં ખજાનાંઓ ખોલી આપે છે.

DownLoad Our iPhone and
Android Apps Today !